toggle menu

માં બ્રહ્માણી ના ગરબા નો ઈતિહાસ

ચાંદખેડા ગામનું અનેરું પર્વ એટલે માં બ્રહ્માણીનો ગરબો.

અમદાવાદ શહેરને અડીને આવેલા, અમદાવાદ જિલ્લાના પ્રવેશદ્વારની અનેરી શોભા ધારણ કરી રહેલા અને સમગ્ર ઉત્તર ગુજરાત - મધ્ય ગુજરાતમાં “ચાંદખેડાના ગરબા” નામે પ્રસિદ્ધ માં બ્રહ્માણીના ગરબાનો આ ઉત્સવ ગામજનો માટે શ્રદ્ધા, ભક્તિ અને આનંદનું મહાપર્વ છે.

આ ગામના લોકો માટે દિવાળીના પર્વો કરતાં આ પર્વનું મહત્ત્વ સવિશેષ, ગામમાં વસતા લોકો, ધંધા - રોજગાર વેપારાર્થે ગયેલા ગામના વતનીઓ અને દૂર દૂરના ગામના લોકો આ દિવસે આ પર્વનો લ્હાવો લેવા અને માં બ્રહ્માણીના પાવન દર્શન કરવા અવશ્ય આવે છે. આ ગરબાનું મહત્ત્વ ખૂબ છે. તેના દર્શન માત્રથી માનવી ધન્ય બની જાય છે. જેના ઘેર સંતાન ન હોય તેને બાધા રાખવાથી સંતાન પ્રાપ્તિ અવશ્ય થાય છે. જે કોઈ આ ગરબાની બાધા રાખે છે તેને માનવાંછિત ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે અને માંના રૂડા આશીર્વાદ ઉતરે છે.

ગરબાની વાત એમ છે કે રાજા ચંદ્રસેનને પુત્ર ન હતો. તેને માં બ્રહ્માણીની બાધા માની અને તે રાજાના ઘરે પુત્રપ્રાપ્તિ થઈ. ત્યાંથી ગરબાની શરૂઆત થઈ. આ ગામમાં બે ભાગ હોવાથી બંન્ને ભાગમાં ગરબા થાય છે.

સમગ્ર ગુજરાતમાં આગવી વિશેષતા ધરાવતા અમદાવાદ નજીક આવેલ ચાંદખેડા ગામમાં પ્રથમ નોરતે થી ચૌદમાં દિવસના ગરબાનું ખૂબ મહત્વ ધરાવે છે. આ વર્ષે ૧૦૮૬ મો ગરબો છે, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિત ગુજરાતભરના ભાવિક ભક્તોનો મહેરામણ ચાંદખેડા ગામમાં ઉમટશે. આજ દિવસે ગામની ભાગોળે આવેલા શ્રી અલબેલા માં બ્રહ્માણી માતાના દર્શન કરશે તથા મંદિર પાસે લોકમેળો ભરાય જેનો લ્હાવો અસંખ્ય ભાવિક ભક્તો માણશે.

ગરબો બનાવવા માટે સૌ પ્રથમ વડના વૃક્ષમાંથી લાકડું કાપીને તેમાંથી એક ફૂટ ઊંચા પાયાવાળી માંચી (માંડવડી) બનાવવામાં આવે છે. આ માંચીને ગરબાનો પાયો બનાવીને તેની ઉપર ૧૪ થી ૧૫ ફૂટની ઊંચાઈવાળા કલાત્મક ગરબાની માંડણી - બાંધણી કરવામાં આવે છે. આ માટે સીમમાંથી જુવારના મોટા અને મજબૂત સાંઠાઓ લાવવામાં આવે છે. જો ગામની સીમમાંથી શક્ય ન હોય તો ક્યારેક દૂરદૂરથી પણ લાવવા પડે છે. જુવારના આ સાંઠાઓની બરાબર સફાઈ કરવામાં આવે છે. આ કામ ગામના ખાસ કેળવાયેલા ભાઈઓ જ કરે છે. અલગ અલગ રીત જુવારના સાંઠાઓની સાથે રાખી માંચીના ચાર પાયાની સાથે મજબૂત બાંધી દેવામાં આવે છે. આ ચાર “છોડ”ને જમીનથી પાંચ ફૂટની ઊંચાઈએ એક સાથે ભેગા કરી બાંધી દેવામાં આવે છે અને આ ભાગને ‘કેડ’ કહે છે. આ કેડ સુધી બાંધાયેલો આ ભાગ પછી એક જ ‘છોડ’ બની જાય છે. ગરબાની આ કેડમાં સ્ટેનલેસ સ્ટીલની - ફૂટના વ્યાસવાળી ગોળાકાર ‘કાંબી’ બાંધવામાં આવે છે. આ કેડથી ઉપરના ભાગે જુવારના ટૂંડાવાળા (‘જારિયા સાથેના) ૧૨૫ સાંઠાઓને કલાત્મક રીતે ગોળ ફરતાં ગોઠવવામાં આવે છે. આ સમગ્ર રચનાને ગરબાનું ‘સ્ટ્રક્ચર’ કહી શકાય.

ગરબાના તૈયાર થયેલા આ માળખાને તે પછી સુશોભિત બનાવવામાં આવે છે. ચાર છોડની વચ્ચે માં બ્રહ્માણીની સ્થાપના સ્વરૂપે પહેલાં માટીનો એક ઘડૂલીયો મૂકવામાં આવતો, જેની અંદર અને ઉપર ઘીના દીવા મૂકવામાં આવતા. પણ આજે તેના સ્થાને કોમપ્લેટેડ ધાતુનો મોટો ઘડૂલીયો મૂકવામાં આવે છે. ગરબાના કેડ સુધીના ભાગમાં ચારે બાજુએ સરખા અંતરે જુવારના સાંઠાને આડા બાંધીને માટીના ૧૨૫ કોડિયાં મૂકાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે, જેને ‘દીપ મંડપ’ કહેવામાં આવે છે. આ દીવાઓ આખી રાત બળતા રહે છે.

ગરબાની કેડના ઉપરના ભાગમાં જ્યાં કૂંડા સાથેના સાંઠાં ગોળાકારે ગોઠવેલા હોય છે તે ભાગને કાગળના રંગબેરંગી અને વિવિધ આકાર ધરાવતાં ફૂલોની માળાથી (હાર) શણગારવામાં આવે છે. ખૂબજ કલા-કારીગરીથી લટકાવવામાં આવતાં આ ફૂલોનો શણગાર અનુપમ લાગે છે. સમય બદલાતાં અને રસ-રુચિ બદલાતાં અનેક પરિવર્તનો જોવા મળે છે. ફૂલોમાં પણ દર વર્ષે વિવિધતા લાવવામાં આવે છે. કાગળના ફૂલોનું સ્થાન હવે પ્લાસ્ટિકના ફૂલોએ લીધું છે. પહેલાં ગરબો સ્થિર રહેતો હતો અને હવે તેને ખાસ પ્રકારે બનાવેલી વીજળીની મોટરની મદદથી ધીમે ધીમે, એક જ ગતિથી અને એક દિશામાં ફરે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કેડના ભાગ સાથે બાંધવામાં આવતી ગોળાકાર કાંબી ઉપર પણ કાચ, કાગળ અને પ્લાસ્ટિકનાં જુદા જુદા આકારોવાળા સુંદર નમૂનાઓ લટકાવવામાં આવે છે. આ રીતે આ ગરબો ગ્રામજનોના સાથ અને સહકારથી પૂર્ણ સ્વરૂપ ધારણ કરે છે.

માં બ્રહ્માણીના ચોકમાં એક વિશાળ અને ભાતીગળ ચૂંદડી બાંધવામાં આવે છે. આ ચૂંદડીને પણ પોતાનું આગવું મહત્ત્વ છે. માંના છત્ર સમી આ ચૂંદડી જોવી તે પણ એક લ્હાવો છે. આ ચૂંદડીના કાપડ ઉપર જાતજાતના અને ભાતભાતના સુંદર આકારોનું છાપ-કામ કરવામાં આવેલ છે. આછા તપખીરીયા લાલ રંગની ઝાંયવાળા રંગમાં કાળા રંગે છાપેલી અસંખ્ય આકૃતિઓ ચૂંદડીની શોભા વધારે છે.

ગામના લેઉઆ પાટીદારના ભાગમાં અને કડવા પાટીદારના ભાગમાં નાયકભાઈઓ પોતાના વાજિંત્રા સાથે અને ગાયકો સાથે માંની રસુતિ માટે ચોકમાં ગરબાની સન્મુખ ગોઠવાઈ જાય છે. ચોકમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. ચોકમાં હાજર રહેલા દરેક ભાવિકોને ફૂલો આપવામાં આવે છે. નાયક ભાઈઓના કંઠે માંની સ્તુતિ ગવાય છે. તબલાની થપાટો વાતાવરણને પ્રફુલ્લિત બનાવી દે છે. સ્તુતિ પૂરી થાય છે અને સૌ ભાવિકજનો પુષ્પોની વર્ષા ગરબા ઉપર કરી માંના આ શાશ્વત સ્વરૂપનો જયજયકાર કરે છે.

સમય કરવટ બદલે છે. ઉત્સવમાં આધુનિકતાનાં પગરણ થયાં છે. વાજિંત્રો આવ્યાં છે, મંડળી बनी છે, ગરબાની રમઝટ માટે ખ્યાતનામ ગાયક કલાકારોને બોલાવવામાં આવે છે. આધુનિક શૈલીથી અને ઢાળમાં ગરબા ગવાય છે. ગાયકોના કંઠે નીકળતી માં શક્તિના ગરબાની સૂરાવલિઓ વચ્ચે સ્ત્રી-પુરુષો સાથે મળી ગરબા ગાય છે. અબાલ-વૃદ્ધ સૌ કોઈ માટે આ પર્વ જીવનમાં નવો સંદેશ, નવો ઉત્સાહ અને અન્યન્ય ભક્તિભાવ ભરી દે તેવું બની રહે છે.

ગામના કડવા ભાગમાં અને લેઉઆ ભાગમાં એક જ પ્રકારે આ ગરબાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. બંન્ને ભાગમાંથી અલગઅલગ નીકળતા આ ગરબાઓ છેવટે તો માં બ્રહ્માણીને શરદપૂર્ણિમાની શુભ સવારે અર્પણ કરી સર્વ પ્રકારની સુખાકારી પ્રાપ્ત થાય તેવી અંતરની પ્રાર્થના કરવામાં આવે છે.

માં બ્રહ્માણીના આ પર્વના રૂડા આશીર્વાદ આપ સૌને ફળે તેવી શુભકામનાઓ. 🌸